પ્રાચીન ધાર્મિક સ્થળોમાં જેની ગણના થઈ શકે તેવા :-
''
ઉતરમાં ધારેશ્વરને કેરાળેશ્વર મહાદેવ,
છે દક્ષિણમાં રક્ષા કરતા જીથુડી હનુમાનસ ;
પૂર્વમાં ખાખામઢીને ભીડભંજન મહાદેવ,
શામનાથ ને અમરનાથ છે પશ્િચમ કેરા દેવ''
જેતપુરની ઉતરે ધારેશ્વર મહાદેવ, તેની પાસે કમળેશ્વર અને સોમેશ્વર મહાદેવનાં મંદિર. તેની નજીક વિશાળ મૂર્તિ ધરાવતું હનુમાનજી મંદિર અને સૂર્યમંદિર આવેલા છે. પીઠડીયા ગામથી આગળ પ્રાચીન ગણપતિ મંદિર આવેલ છે. રબારિકાના રસ્તે ભાદર નદીના કાંઠે પ્રાચીન કેરાળેશ્વર મહાદેવનું મંદિર છે. એક કથા એવી મળે છે કે વનવાસ દરમ્યાન પાંડવોએ ત્યાં આવી પૂજા કરેલી. આઝાદી પહેલાના કાળથી ધારેશ્વર તથા કેરાળેશ્વરમાં જન્માષ્ટમીનો મોટો મેળો ભરાતો. ગરીબ તવંગર બધા આ મેળાનો આનંદ માણતાં.
પૂર્વ દિશામાં ભીડભંજન મહાદેવનું મંદિર આવેલુ છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં ભકતોની ભીડ જામે છે. સાડા છ સદી પુરાણુ પ્રાચીન ખાખામઢી હનુમાનજી મંદિર અને તેની આગળ ચંદ્રમૌલિશ્વર મહાદેવનું મંદિર પણ એટલુ જ પ્રાચીન છે. આ ઉપરાંત અન્ય ધાર્મિક સ્થાનમાં શ્રી જીથુડી હનુમાનજી મંદિર, શ્રી તત્કાલ હનુમાનજી મંદીર, શ્રી રામૈયા હનુમાનજી મંદિર, શ્રી નૃસિંહજી મંદિર, શ્રી ભદ્રેશ્વર મહાદેવ મંદિર, શ્રી શીતળા માતાજીનું મંદિર, શ્રી શામનાથ મહાદેવ, શ્રી અમરનાથ મહાદેવ, શ્રી આશાપુરા માતાજીનું મંદિર, શ્રી રામનાથ મહાદેવ, શ્રી થાણેશ્વર મહાદેવ , શ્રી કનકેશ્વર મહાદેવ વગેરે અનેક ભવ્ય મંદિરો જેતપુરમાં આવેલા છે. તેમજ જૈન ધર્મના અપાસરા, જૈન સ્મૃતિ મંદિર, મુસ્િલમ ધર્મની મુખ્ય મસ્િજદો અને દરગાહોમાં - હઝરત મંગળીયાશા પીરની દરગાહ, હઝરત ગેબનશા પીરની દરગાહ, જુમ્મા મસ્િજદ , બહારપુરા મસ્િજદ, શામીશા મસ્િજદ, ઝકરિયા મસ્િજદ, નગીના મસ્િજદ, ઈદગાહ, દાતાર તકીયો વગેરે.
સ્વામિનારાયણ ધર્મના સ્થાપક શ્રીજી સ્વામિને તેમના ગુરુએ સંવત ૧૮પ૭ના કારતક સુદ ૧૧ (ઈ.સ. ૧૮૦ર) ના શુભ દિવસે જેતપુર મુકામે ગાદી સ્થાન સોંપ્યું અને આ રીતે જેતપુર શ્રીજી સ્વામિનું ગાદી સ્થાન બનતા જેતપુર સ્વામિનારાયણ ધર્મમાં વિશેષ સ્થાન ધરાવતું નગર બની રહેલ છે. હાલમાં જ અત્યાધુનિક શ્રી જલારામ મંદિર જૂનાગઢ રોડ પર બનાવવામાં આવેલ છે. જે જેતપુરની જનતા માટે નજરાણા સમાન છે.
આવી અનેક ઐતિહાસિક વિગતો ઈતિહાસના પાનાઓ પર ઘરબાયેલી પડી છે.