કર્નલ જેમ્સ કેમ્પબેલે જેને કાઠિયાવાડના વેપારનું મોટું મથક ગણાવ્યું હતું,
તે જેતપુર કાપડના વેપારમાં પહેલેથી જ મોખરે હતું ધોરાજી, ઉપલેટા, બાંટવા, કુતિયાણા, જૂનાગઢ અને છેક વેરાવળ તેમજ પોરબંદરથી લોકો પોતાના શુભ પ્રસંગોએ કાપડની ખરીદી માટે ખાસ જેતપુર પધારતાં. આ ઉપરાંત નાના-નાના ગામનાં કાપડના વેપારીઓ પોતાના ધંધાની જરૂરિયાત પ્રમાણે ખરીદી કરવા જેતપુર આવતા.
જેતપુરમાં આજે અને તે સમયે રંગાટનો મુખ્ય ધંધો હતો. ભાદર નદીના પાણીમાં એ ખૂબી છે કે તેના પાણીમાં રંગાયેલી સાડીઓનો રંગ ટકાઉ અને પાકો રહે છે. આજે તો છપાઈ કામના ક્ષેત્રે માત્ર ગુજરાત કે ભારતમાં નહિ પરંતુ પરદેશમાં પણ અહીના કાપડની સારી એવી માંગ છે. આફ્રિકા, બાંગ્લાદેશ વગેરે દેશમાં અહીનું કાપડ કરોડોમાં નિકાસ થાય છે. આ સિવાય કોરિયા, પાકિસ્તાન, ચીન અને તાઈવાન જેવા દેશોના માલ સામે જેતપુરનો કાપડ ઉઘોગ ટકકર ઝીલી દેશને કરોડોનું હૂંડિયામણ કમાવી આપે છે. આ ઉધોગને લીધે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ જેતપુરનું નામ આગળ પડતું છે. નિકાસક્ષેત્રે અહીંના કેટલાક નામાકિંત ઉધોગપતિઓને રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ચૂકયા છે. જે ગૌરવ લેવા જેવી બાબત છે.
જેતપુર શહેરને સાડી ઉધોગે દેશ-વિદેશમાં ખ્યાતિ અપાવી છે. આ ઉપરાંત શહેરમાં છાપકામ તથા ભરતકામના ઉધોગ વિકસેલા છે. જેતપુરમાં ટ્રાન્સપોર્ટ ઉધોગ એ સાડી ઉધોગની ધોરી નસ સમાન છે. આ સાથે હીરા ઉધોગની પણ ઝાકમઝોળ છે. |